મોરબી મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા તા. ૧૧/૦૯/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના બીજા માળે આવેલા મિટિંગ હોલ ખાતે મળશે.
સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત શનાળા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને ‘SVMS સ્વામીનારાયણ માર્ગ’ તરીકે જાહેર કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત મહાનગરપાલિકામાં ભળેલા નવ પંચાયત વિસ્તારોના ટેક્સ ગણતરી માટે A, B અને C લોકેશન ગ્રેડ નક્કી કરવા, રવાપર ઘુનડા રોડ પર કર્તવ્ય જીવદયા કેન્દ્ર પાસેના સર્કલનું નામકરણ કરવા તેમજ બાયપાસ ચોકડીથી પંચાસર જવાના રસ્તા પર ગેટ બનાવવાની મંજૂરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
વરસાદી પાણીના કાયમી નિકાલ માટે એપોલો હોલ પાસે તેમજ શનાળા ગામમાં સ્ટોર્મ વોટર લાઈન નાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
તેમજ સ્વ. ગોકળદાસ ડોસાભાઈ પરમારના સ્મરણાર્થે ગોકુલનગર-લાઈન્સનગર મેઈન રોડને ‘ગોકળદાસ પરમાર રોડ’ નામ આપવા, ગાર્ડન વિકસાવવા અને સ્ટેચ્યુ મૂકવા અંગેનો મહત્વનો પ્રસ્તાવ પણ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.