હાજરી પત્રકથી લઈ રેકોર્ડની નિભાવણી સુધીની ઝીણવટભરી ચકાસણી, સમયપાલન અને પ્રજાભિમુખ કામગીરી માટે સૂચનાઓ
મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઈજનેરની કચેરી તથા નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત)ની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
આકસ્મિક નિરીક્ષણ દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરવામાં આવી હતી અને અધિકારીઓ તથા કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
તેમણે સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, વિવિધ ઓનલાઈન પોર્ટલ્સ, દફતર નિભાવણી, હિસાબી કામગીરી, રેકોર્ડ રૂમ સહિત વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
કલેક્ટરે કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર અને અસરકારક રીતે થાય તેમજ વહીવટી શિસ્ત જળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી પ્રજાભિમુખ કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.