મોરબી: ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે ૩૪ લોકોના વિઝા અને એર ટિકિટના નામે કુલ રૂ. ૧૪.૮૯ લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ભારતપાન વાળી શેરીમાં લોમ જીવન પાર્કમાં રહેતા સર્ફરાજ આલારાખાભાઈ દલવાણીએ આરોપી મહંમદ જુનેદ મહંમદ યુસુફ શેખ રહે. જુહાપુરા અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ સને-૨૦૨૨ ની સાલમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ફરીયાદીને વિશ્વાસમાં લઇ વિઝા લેવા માટેનું કહી, સને-૨૦૨૫ માં ફરીયાદી પાસેથી કુલ-૩૪ માણસોના વિઝા કરાવા માટેના રૂપીયા રૂ.-૪,૬૫,૦૦૦/- ફરીયાદી પાસેથી લઈ અમોને સમય સર વિઝા નહીં કરાવી આપી ફરીયાદીને એર ટીકીટના રૂ.-૧૦,૨૪,૮૦૦/- ની નુકશાની કરાવી, ફરીયાદીના ખોટા બનાવટી વિઝાની પી.ડી.એફ. મારા ફોનમાં મોકલી, ફરીયાદી તથા સાથીઓ ઉમરાહ કરી અમદાવાદ એરપોર્ટ ઉપર પરત આવેલ ત્યારે ફોન ઉપર દોઢ લાખ રૂપીયા આપી દેજો નહીતર એરપોર્ટની બહાર નહી નીકળી શકો તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.