Homeગુજરાતમોરબીવાંકાનેરના જોધપર ગામે ઓવરબ્રિજ કામની ધીમી ગતિ સામે ઉગ્ર વિરોધ: ગ્રામજનોનો હાઇવે...

વાંકાનેરના જોધપર ગામે ઓવરબ્રિજ કામની ધીમી ગતિ સામે ઉગ્ર વિરોધ: ગ્રામજનોનો હાઇવે પર ચક્કાજામ

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે નેશનલ હાઇવે પર ચાલી રહેલી ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીની ધીમી ગતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાઇવે પર ઉતરીને ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા માર્ગ પર આવેલા ઓવરબ્રિજનું સમારકામ છેલ્લા પંદર દિવસથી ચાલુ છે. આ દરમિયાન હાઇવેની એક લેન સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે, જેના કારણે તમામ ભારે અને હળવા વાહનોને ગામના સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સર્વિસ રોડ પર સતત ટ્રાફિકના કારણે આખો દિવસ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. પરિણામે, સ્થાનિક ગ્રામજનોને પોતાના જ ગામમાં આવવા-જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકના વધેલા દબાણ વચ્ચે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી ચાલતી આ સમસ્યાને લઈને કંટાળેલા ગ્રામજનોએ આજે સવારથી જ રસ્તા પર ઉતરીને સર્વિસ રોડ બંધ કરી દીધો હતો અને ચક્કાજામ સર્જ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, હાઇવે ઓથોરિટી દ્વારા કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકો પર અનાવશ્યક મુશ્કેલીઓનો બોજો વધી રહ્યો છે.

ગ્રામજનોની માંગ છે કે ઓવરબ્રિજનું મેન્ટેનન્સ કાર્ય યુદ્ધના ધોરણે ઝડપી પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવે. સાથે જ, તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular