રમઝાનના પવિત્ર મહિનામાં જ્યાં મોટા લોકો માટે પણ રોજા રાખવા પડકારરૂપ બની રહે છે, ત્યાં માત્ર સાડા ૮ વર્ષના ફેજાન મમદભાઈ લધાનીએ અનોખું સાહસ અને શ્રદ્ધા દર્શાવી છે. મોરબીના મહેન્દ્રપરામા રહેતા ફેજાને રમઝાન માસના તમામ ૩૦ રોઝા પૂર્ણ કરીને અલ્લાહની ઈબાદતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આકરી ગરમી હોવા છતાં ફેજાનના હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. રોજિંદા જીવનમાં રમકડાં અને મોજમસ્તીની ઉંમરે તેણે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને સમર્પણને પ્રાથમિકતા આપી, જે સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. ફેજાનની આ સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને નજીકના લોકો દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. સમાજમાં પણ ફેજાનની આ ભાવના અને શ્રદ્ધાની પ્રસંશા થઈ રહી છે. નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય બાળકો માટે પણ પ્રેરણા સમાન બનશે.