મોરબી શહેરમાં ગઈકાલે આગ લાગવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમ 101 પર મળેલા કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને સ્થળે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાની ટળી હતી.
પ્રથમ બનાવ સાંજે લગભગ 05:56 વાગ્યે નોંધાયો હતો. જેમાં ડો. તક્ષસિંહજી રોડ પર ગાંધી ચોક પાસે આવેલ યદુનંદન ચેમ્બરમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
જ્યારે બીજો બનાવ રાત્રે લગભગ 09:56 વાગ્યે શક્તિપ્લોટ વિસ્તારમાં બન્યો હતો. શક્તિપ્લોટ-12 નંબરની શેરીમાં મહેશ હોટેલ સામે આવેલ એક મકાનમાં એક્ઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી. ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ બુઝાવી દીધી હતી. જોકે સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાની થઈ નહોતી, જેના કારણે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.