ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ રૂ. ૮૬.૩૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. રાજ્ય સરકારના સરકારી વિમાન અને હેલિકોપ્ટરના જાળવણી તથા સંચાલન ખર્ચમાં વર્ષ પ્રતિ વર્ષ વધારો થઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી જાહેર કરી હતી. મળતી વિગતો અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન મેઈન્ટેનન્સ પાછળ રૂ. ૨૭.૭૧ કરોડનો ખર્ચ થયો હતો. ત્યારબાદના વર્ષે એટલે કે ૨૦૨૫-૨૬ દરમિયાન આ ખર્ચ વધીને રૂ. ૨૮.૯૫ કરોડ થયો છે. પાયલોટના ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં પાયલોટ માટે રૂ. ૧૨.૮૯ કરોડ ખર્ચાયા હતા, જ્યારે ૨૦૨૫-૨૬ માં આ ખર્ચ વધીને રૂ. ૧૫.૧૮ કરોડ થયો છે. ઉપરાંત અન્ય સ્ટાફના ખર્ચ માટે ૨૦૨૪-૨૫માં રૂ. ૬૧.૪૪ લાખ ખર્ચાયા હતા, જે ૨૦૨૫-૨૬માં વધીને રૂ. ૯૭.૫૩ લાખ સુધી પહોંચ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં ટેકનિકલ ક્ષતિના કારણે પ્લેન અને હેલિકોપ્ટર ઉડી ન શકવાના બે બનાવો પણ નોંધાયા છે.
જ્યારે મુખ્યમંત્રી, રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો અને અન્ય વીવીઆઈપી મૂવમેન્ટ માટે ઉપયોગમાં લેવાતું ગુજરાત સરકારનું ડબલ એન્જિન હેલિકોપ્ટર લગભગ ૧૯ વર્ષ જૂનું છે. કેટલીક પરિસ્થિતિમાં સરકારને ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ પણ કરવો પડ્યો હોવાનું જાણવા મળેલ છે.